અંબાજીઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હાઈ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાના એક નવા ઉપક્રમનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીના આ જ ઉપક્રમને હવે ઉચ્ચ અધિકારીઓએ પણ અપનાવવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં પ્રવાસન વિભાગના સચિવ  રાજેન્દ્ર કુમારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા કરી.

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 સુધી યોજાશે. આ મહામેળામાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે એવી સંભાવના છે. મહામેળાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રવાસન સચિવ  રાજેન્દ્ર કુમાર અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે શ્રેણીબદ્ધ મીટિંગો કરી. તેમણે સંબંધિત વિભાગો અને અધિકારીઓની સાથે અંબાજી મેળાની તૈયારીઓની તેમજ રીંછડિયા મહાદેવ તથા તેલિયા ઇકો ટ્રેલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી. તેમણે આ સંબંધિત સ્થળોની મુલાકાત પણ લીધી.

અંબાજી મેળામાં શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતા-સુરક્ષાનો મંત્ર

શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન યાત્રાધામ અંબાજીમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમનો મેળો આયોજિત થાય છે. પ્રવાસન સચિવ  રાજેન્દ્ર કુમારે મીટિંગ દરમિયાન મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતા અને સુરક્ષાના મંત્ર સાથે સુદૃઢ તેમજ ઉત્તમ વ્યવસ્થાઓ પ્રદાન કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી. મીટિંગમાં અંબાજી મેળામાં આવનારા મુલાકાતીઓની સુરક્ષા, એસટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, કામચલાઉ વિરામ અને વિશ્રામનું સ્થળ, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફ્ટી વગેરે વિષયો પર જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. ખાસ કરીને સ્વચ્છતા, સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સવિચ શ્રી રમેશ મેરજાએ અંબાજી મેળા દરમિયાન બોર્ડ દ્વારા કરવામાં આવનારી વિવિધ વ્યવસ્થાઓ જેવીકે કામચલાઉ આવાસ સુવિધા, પાર્કિંગ, લાઇટિંગ વગેરેની વિસ્તૃત સમીક્ષા કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here